મસ્જિદમાં બિનમુસ્લિમોનો પ્રવેશ

મસ્જિદમાં બિનમુસ્લિમોનો પ્રવેશ

(મૌલાના) મુહમ્મદ રઝીઉલ ઇસ્લામ નદવી

પ્રશ્ન : અમે અમારા મહોલ્લાની મસ્જિદમાં “મસ્જિદ પરિચય”નો કાર્યક્મ રાખ્યો. દેશવાસી ભાઈઓ અને બહેનોને આમંત્રિત કર્યા. તેઓ મોટી સંખ્યામાં આવ્યા. તેમના સામે ઈસ્લામનો પરિચય રજૂ કર્યો. વુઝૂ, નમાઝ, રોઝા વગેરેની માહિતી આપી. નમાઝમાં અમે શું પઢીએ છીએ ? એ પણ બતાવ્યું. તેઓએ મસ્જિદમાં લોકોને નમાઝ પઢતા પણ જોયા. અંતમાં તેમને સવાલો પૂછવાની તક આપી અને તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા. આ પ્રોગ્રામ પર એ લોકોએ ખુશી વ્યક્ત કરી, તેઓ ખૂબ પ્રભાવિત થયા અને કહ્યું કે અમને તો આ બધી વાતો પ્રથમ વખત જ જાણવા મળી.
મહોલ્લાના અમુક લોકોએ આ બાબતે વાંધો લીધો. તેમણે કહ્યું કે દેશબાંધવોમાં પાકીનો એહસાસ હોતો નથી. કુર્આનમાં તેમને નાપાક કહેવામાં આવ્યા છે અને મસ્જિદમાં પ્રવેશથી રોકયા છે. વધુમાં મસ્જિદમાં દેશવાસી બહેનોને ન બોલાવવી જાેઈએ કેમકે તેમનામાં હિજાબની કલ્પના નથી અને સ્વચ્છતાની પણ. આવા પ્રોગ્રામ જો કરવા જ હોય તો મસ્જિદ સિવાય બીજે કરવા જોઈએ.
મહેરબાની કરીને માર્ગદર્શન ફરમાવશો કે શું અમારૂં કાર્ય ખોટું હતું? શું મસ્જિદ પરિચયના પ્રોગ્રામ મસ્જિદમાં ન કરવા જોઈએ?

ઉત્તર : ઇસ્લામ અને મુસલમાનો સંબંધે દેશવાસીઓમાં ઘણી બધી ગેરસમજણો જોવા મળે છે. લાંબા સમયથી સાથે રહેવા છતાં તેમના દરમિયાન ઊંડી ખાઈ જોવા મળે છે. તેમની ગેરસમજણો દૂર કરવા માટે કરવામાં આવતા પ્રયત્નો પસંદીદા અને વર્તમાન સમયની જરૂરત છે. મસ્જિદો વિષે પણ તેઓ ગેરસમજણોના શિકાર છે. તેમનામાંથી અમુક એમ સમજે છે કે ત્યાં મુસલમાનોને હિંસાખોરી અને વિખવાદી પ્રવૃત્તિઓ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. (૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં આ વાતનો અનુભવ એ રીતે થયો કે સમગ્ર રાજ્યમાં સવિશેષ ગામડાઓમાં મસ્જિદોને ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું અને મસ્જિદોના મિંબર અને મહેરાબ તદ્દન તોડી નાંખવામા આવ્યા જેના પાછળ એ ગેરસમજણ ફેલાવવામાં આવી હતી કે ત્યાં શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવે છે. આવું પાછળના સમયે બિનમુસ્લિમ ભાઈઓએ પોતે રિલીફના કાર્યકરો સામે કહ્યું. – અનુવાદક)

તેમને મસ્જિદોમાં બોલાવવા અને ત્યાં તેમના સામે ઇસ્લામની તાલીમાતનું વર્ણન કરવું અને તેમને નમાઝનું દૃશ્ય બતાવવાથી તેમની ગેરસમજણો દૂર કરવામાં મદદ મળશે. એટલા માટે “મસ્જિદ પરિચય”ના પ્રોગ્રામ કરવામાં કંઈ વાંધાજનક નથી.

કુર્આનમજીદમાં છે કે : “હે લોકો! જેઓ ઈમાન લાવ્યા છો! મુશ્રિકો અશુદ્ધ (નજસ) છે. તેથી આ વર્ષ પછી આ લોકો મસ્જિદે હરામના નજીક ફરકવા ન પામે..” (સૂરઃતૌબા-૨૮)

આ આયતમાં મુશ્રિકોને અશુદ્ધ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ જાહેરમાં દેખાતી અશુદ્ધતા નથી. બલ્કે અર્થપૂર્ણ અશુદ્ધતા એટલે કે કુફ્ર અને ર્શિક છે. ઉલ્માએ આ વાત ખુલાસાવાર કહી છે. અલ્લામા અબૂબક્ર જસાસ રહ. ફરમાવે છેઃ “મુશ્રિકો પર ‘નજસ’ શબ્દ એ પાસાથી લાગુ પડે છે કે ર્શિકથી (કે જેના પર તેમની આસ્થા છે) એ રીતે દૂર રહેવું જરૂરી છે જે રીતે અશુદ્ધતા અને ગંદકીથી પરહેઝ કરવી અનિવાર્ય છે એટલા માટે તેમને અશુદ્ધ કહેવામાં આવ્યા છે”(પુસ્તકઃ એહકામુલ કુર્આન-૧૦૮/૩)

અલ્લામા શોકાની રહ.એ લખ્યું છેઃ “પ્રાચીન અને અર્વાચીન ઉલ્માઓની બહુમતી જેમાં આરબ ઉલ્મા પણ સામેલ છે તેમનો મસ્લક એ છે કે કાફિર પોતાની જાતમાં અશુદ્ધ નથી હોતો, એટલા માટે કે અલ્લાહતઆલાએ તેમના ભોજન હલાલ કર્યા છે. અને નબીના વાણી વર્તનથી સાબિત થાય છે કે તેઓ પોતાની જાતમાં અશુદ્ધ નથી. આપ એ તેમના વાસણોમાં ખાધું છે. તેમાં પાણી પીધું છે. તે પાણીથી વુઝૂ કર્યું છે અને તેમને પોતાની મસ્જિદમાં ઉતારો આપ્યો છે.” (પુસ્તકઃ ફતેહ અલકદીર જે ૧૯૯૪માં બૈરુતમા છપાયું ૪૪૬/૨)

ઇમામ નૌવી રહ.એ પણ આ વિષય પર વિસ્તૃત રીતે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા છે. તેઓ લખે છેઃ “કાફિરનો હુકમ પણ સ્વચ્છતા અને ગંદકીમાં મુસલમાન જેવો જ છે. આ જ અમારો (શાફઈ) અને પ્રાચીન ને અર્વાચીન ઉલ્માઓની બહુમતીનો મસ્લક છે. રહ્યો અલ્લાહનો આદેશ કે મુશ્રિકો અશુદ્ધ છે, તો તેનો અર્થ એ નથી કે તેમના શરીરના અંગો, પેશાબ જાજરૂ જેવી ચીજોની જેમ અશુદ્ધ છે. જયારે એ વાત સાબિત થઈ ગઈ કે માણસ શુદ્ધ (તાહીર) છે, ભલે તે મુસલમાન હોય કે કાફિર તો પછી તેનો પસીનો, થુંક અને આંસુ પણ પાક છે. ભલે તે વુઝુ વગર હોય કે સંભોગની સ્થિતિમાં હોય. સ્ત્રી માસિકમાં હોય કે અસ્વચ્છ હોય તો પણ પાક છે. આ બધી વાતો પર મુસલમાનોમાં સર્વસંમતી છે.” (શરહ, સહી મુસ્લિમ ભાગ-૨ વિભાગ-૨ પેઈઝ-૬૬)

નબવી યુગના અનેક પ્રસંગોથી બિનમુસ્લિમોના મસ્જિદ પ્રવેશની સાબિતી મળે છે. બદ્રના યુદ્ધ પછી ઉમૈર બિન વહબ અલ્લાહના રસૂલને (નઉઝુબિલ્લાહ) કતલ કરવાના ઈરાદાથી મદીના ગયો. નબી મસ્જિદમાં હતા. તેણે મસ્જિદમાં જઈને આપ થી મૂલાકાત કરી અને અલ્લાહ તઆલાની તૌફીકથી ઇસ્લામ કુબૂલ કરી લીધો. હુદૈબિયાની સંધિનો ભંગ કર્યા પછી તેને ફરીથી જોડવા અબૂસૂફયાન મદીના આવ્યા તો મસ્જિદે નબવીમાં પણ ગયા. શમામા બિન અયાલ યુદ્ધમાં પકડાઈને આવ્યા તો તેમને મદીના લાવીને મસ્જિદે નબવીના થંભા સાથે બાંધી દેવામાં આવ્યા. રસૂલુલ્લાહ ના સદ્વવર્તનથી તેઓ મુસલમાન થઈ ગયા. કબીલા શકીફનું ડેલિગેશન આપથી મુલાકાત માટે આવ્યું ત્યાં સુધી તેઓ મુસલમાન ન’હોતા થયા, તેમને મસ્જિદે નબવીમાં જ ઉતારો આપવામાં આવ્યો. આ પ્રકારના બીજા બનાવો પણ સીરતના પુસ્તકોમાં જાેવા મળે છે.

મસ્જિદમાં પુરુષોની જેમ સ્ત્રીઓ પણ જઈ શકે છે. તેમના મસ્જિદ પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી.

આવા પ્રોગ્રામ મસ્જિદ સિવાય બીજા સ્થળો ઉપર પણ કરી શકાય છે અને મસ્જિદમાં કરવામાં પણ કંઈ જ વાંધાજનક નથી.

જે સદ્‌ગૃહસ્થોને “મસ્જિદ પરિચય”ના પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ આપવામાં આવે તેમની સામે મુલાકાત સમયે જ મસ્જિદના સન્માન, પવિત્રતા અને ગૌરવની વાત મૂકી દેવામાં આવે તો તેઓ ચોક્કસ તેનો ખ્યાલ રાખશે. તેઓ પણ આ બધી બાબતો જાળવે છે. આવા પ્રોગ્રામોમાં હાજર રહેવા માટે તેઓ ખૂબ વધારે પ્રબંધ કરે છે અને ઘરેથી નાહી-ધોઈને જ આવે છે.

(પ્રસિદ્ધ કર્તાઃ ઉર્દુ માસિક “ઝિંદગીએ નૌ” સપ્ટેમ્બર-૨૦૨૩ – ગુજરાતી અનુવાદઃ મુહમ્મદ અમીન શેઠ)

કુર્આન એક ઇશ્વરીય ગ્રંથ

કુર્આન એક ઇશ્વરીય ગ્રંથ

અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ

આજે સમગ્ર માનવજાતને આંતરિક સંઘર્ષો અને બાહ્ય યુદ્ધોથી ઉત્પન્ન થયેલ આફતોનો સામનો કરવો પડી રહ્યો  છે, સમાજની સંપૂર્ણ નૈતિક અને સામાજિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. માનવ મૂલ્યો તથા આધ્યાત્મિક  ગુણોનું  પતન થઈ ચૂક્યું છે. આ બધી અવ્યવસ્થા, અરાજકતા અને વિઘટનનું મૂળ કારણ ઈશ્વરના આદેશો પ્રત્યે અજ્ઞાનતા, ખોટું અર્થઘટન અને દૂરી છે.

ઈશ્વરે માત્ર મનુષ્યનું સર્જન નથી કર્યું બલ્કે તેને જીવવા માટે માર્ગદર્શનની વ્યવસ્થા પણ કરી છે. દરેક યુગ અને દરેક ભૂભાગમાં ઈશ્વર તેના પસંદ કરેલ પેગંબરો દ્વારા પોતાના આદેશો મોકલતો રહ્યો છે. મનુષ્યને આ માર્ગદર્શન અને જીવન-વ્યવસ્થાની એટલી જ જરૂર છે જેટલી કે શરીર માટે ભોજન અને વાયુની. ઈશ્વરીય સંદેશ વ્યક્તિ અને સમાજ માટે એક એવી આચાર સંહિતા પ્રદાન કરે છે જે શાંતિ, સમૃદ્ધિ અને આનંદની બાંહેધરી આપે છે.

આ આદેશો ઇલ્હામ એટલે ગુપ્ત પ્રેરણા કે અદૃશ્ય રીતે સંબોધન દ્વારા અથવા ફરિશ્તા મારફતે પયગમ્બર સુધી પહોંચાડવામાં આવતા હતા.

દિવ્ય કુર્આનથી પૂર્વે જે આકાશી ગ્રંથો મોકલવામાં આવ્યાં, તે એક વિશેષ સમુદાય અને એક વિશિષ્ટ કાળ માટે જ  માર્ગદર્શન હતા. સાથે જે તે સમયના ઉતાર-ચઢાવના પ્રભાવોથી પણ સુરક્ષિત ન રહી શક્યા, અને એમના કેટલાક ભાગોમાં એટલા પરિવર્તન કરી દેવામાં આવ્યા કે એમનું મૌલિક રૂપ જ સમાપ્ત થઈ ગયું. આ જ કારણ છે કે એમનામાં અરસપરસ વિરોધી કથનો જોવા મળે છે જેમનું સમાધાન સરળ  નથી હોતું. કુઆર્ન છેલ્લો ઈશ્વરીય ગ્રંથ છે, જે પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સંપૂર્ણ માનવજાત માટે હંમેશ-હંમેશ માટે ઉતારવામાં આવ્યો. આ સંદેશ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ત્રેવીસ વર્ષની પયગમ્બરી અવધિમાં ઊતર્યા . જ્યારે પણ કોઈ આયત (કુર્આનનો ભાગ) અવતરિત થતો, તો પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની દેખરેખમાં પોતાના સાથીઓ પાસે એ આયતોને લખાવી લેતા. તેઓ ખુદાની મોકલેલી આયતોને રાત્રિની નમાઝોમાં અને સભાઓમાં પઢતા હતા. આપના ઘણા સાથીદારોએ આપના જીવનકાળમાં જ સંપૂર્ણ કુર્આનમજીદને મોઢે યાદ (કંઠસ્થ) કરી લીધું હતું. અને ઘણાં સાથીઓએ તો એની નકલો પણ તૈયાર કરી લીધી હતી. આગલા દસકામાં કુર્આનની ઘણી નકલો ત્રીજા ખલીફા હઝરત ઉસ્માન રદિયલ્લાહુ તઆલા અન્હુએ તૈયાર કરાવીને ઇસ્લામી જગતના અનેક ભાગોમાં મોકલી દીધી. આની સાથે સાથે દરેક પેઢીમાં ઘણી મોટી સંખ્યામાં લોકો સંપૂર્ણ કુર્આનને મોઢે યાદ કરતા અને પોતાના ઉત્તરાધિકારીઓને યાદ કરાવતા અને પઢાવતા, આ પરંપરા ચૌદ સો વર્ષથી આજ સુધી ચાલુ છે. ખલીફા હઝરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તઆલા અન્હુના સમયમાં તૈયાર કરવામાં આવેલી કુર્આનમજીદની બે પ્રતો આજે પણ મોજૂદ છે, એક ઇસ્તંબુલમાં અને બીજી તાશ્કંદમાં.

ભારતના એક જાણીતા લેખક વસંતકુમાર બોઝ સ્વીકારે છે કે કુર્આનમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી અથવા ધાર્મિક ધોખાબાજીની કોઈ દખલગીરી નથી થઈ શકી, આ વસ્તુ કુઆર્નને બધાં જ મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોના મુકાબલે વિશિષ્ટતા અર્પે છે. (B.C. Bose, Mohammadanism, Calcutta, 1931, P-4)

કુર્આન માનવજાત માટે અલ્લાહનો સૌથી મોટો ઉપકાર છે. આનું શક્તિશાળી જ્ઞાન દિમાગોને તેજસ્વી કરે છે અને હૃદયોને સ્પર્શે છે. આની શૈલી સરળ, વ્યવહારિક અને કાલ્પનિક શિક્ષણથી પર છે.

કેટલાક બિનમુસ્લિમ વિવેચકોએ આ પણ કહ્યું છે કે કુર્આન પણ એક વિશેષ સમય અને સ્થાનના લોકો માટે આવ્યું હતું અને તે સંપૂર્ણ માનવજાત માટે હતું જ નહીં. આ કથનોનું ઇતિહાસ દ્વારા સ્વયં જ ખંડન થઈ ચૂક્યું છે, જેનું અનેક લેખકોએ પણ સમર્થન કર્યું છે,

કુર્આન જીવનની બધી વાસ્તવિકતાઓ અને મનુષ્યની બધી જ જરૂરિયાતોનું પૂરૂં ધ્યાન આપે છે. કુર્આન આ વસ્તુઓને એવા ઢંગથી રજૂ કરે છે કે મનુષ્ય પોતાના જન્મનો મહાન ઉદ્દેશ્ય  સમજી શકે. પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંબોધન કરતા અલ્લાહ તઆલા કહે છેઃ

જે લોકો કુર્આનને ઈશ્વરીય ગ્રંથ નહીં પણ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રચના સમજે છે, એમની પાસે પોતાના દાવાના સમર્થનમાં કશું જ નથી. તેઓ આ નથી સમજાવી શકતા કે એક નિરક્ષર વ્યક્તિ એક અનુપમ સાહિત્યિક પુસ્તક કેવી રીતે તૈયાર કરી શકે છે ? હેરી ગેલાર્ડ ડોરમેન આ સ્વીકાર કરે છે કે આ (કુર્આન) અલ્લાહ તરફથી અક્ષરસઃ અવતિરત થયું છે, જે જિબ્રઈલ (ફરિશ્તા) દ્વારા હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંભળાવવામાં આવ્યું અને જેનો પ્રત્યેક શબ્દ પૂર્ણ છે. આ શાશ્વત રહેવાવાળો  ચમત્કાર છે. આનો ચમત્કારી ગુણ તેની શૈલીમાં છે, જે એટલી સંપૂર્ણ અને ઉન્નત છે કે ન કોઈ વ્યક્તિ અને ન જ જિન્નાત એવું એક અધ્યાય તૈયાર કરી શકે છે જે કુર્આનની નાનામાં નાની સૂરઃની બરાબરી કરી શકે, અને પોતાના શિક્ષણ અને ભવિષ્યવાણીની દૃષ્ટિથી પણ આ ચમત્કારી ગ્રંથ છે કે આનું શિક્ષણ, આની ભવિષ્યવાણીઓ એવી નથી કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવી નિરક્ષર વ્યક્તિ રજૂ કરી શકે. (H.G. Dorman, Towards Understanding Islam, Newyork, 1948, P-3)

છઠ્ઠી સદીથી સંબંધ રાખવાવાળી  એક નિરક્ષર વ્યક્તિ એવા વૈજ્ઞાનિક સત્ય કેવી રીતે બોલી શકે છે જે કેટલીક સદીઓ વીત્યા પછી આપણા સમયમાં સત્ય સિદ્ધ થયા હોય. શું તે ગર્ભાશયની અંદર ગર્ભના વિકાસની એટલી સાચી વ્યાખ્યા કરી શકતા હતા જેટલું આજનું વિજ્ઞાન કરે છે ? ડૉક્ટર મોરિસ બુકેલેએ લખ્યું છે, “ગર્ભના વિકાસની પરિસ્થિતિઓ સંબંધે કુર્આનની વ્યાખ્યા સંપૂર્ણપણે આધુનિક માહિતીઓ સાથે સુસંગત છે અને કુઆર્નમાં એક પણ એવું કથન નથી, જેના પર આધુનિક વિજ્ઞાન આલોચના કરી શકે.” (Mourice Bucaille, The Bible, The Koran and Science, 1981, P-205)

હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સમાજમાં પોતાની સત્યતાની દૃષ્ટિએ એક જાણીતી વ્યક્તિ હતાં; ત્યાં સુધી કે તેમના સૌથી પ્રબળ  દુશ્મનોને પણ આપની સત્યતા ઉપર શંકા ન હતી.

“પ્રારંભના અસંખ્ય વર્ણનોથી જણાય છે કે આપ (મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એવા સાચા અને સીધા ખરા માણસ હતાં કે જેમને એવા લોકોથી આદર અને નિષ્ઠા મળી જેઓ પોતે સાચા અને ખરાં લોકો હતાં.” (Encyclopedia Britannica, Vol-12, 1976, P-609).

નીચે આપેલા અવતરણો કેટલાક બિનમુસ્લિમ વિદ્વાનોનાં છે. એમાંથી કેટલાક એવા છે જે એ માટે પ્રસિદ્ધ છે કે તેઓ ઇસ્લામ અને એના પવિત્ર ગ્રંથ કુઆર્નથી પક્ષપાતપૂર્ણ દ્વેષ અને વેર રાખતા હતા; પરંતુ આ લોકો પણ કુર્આન અને સંદેશની મહાનતાનો સ્વીકાર કરવા માટે લાચાર થયાં છે.

માનવ-વિચારોને નવું રૂપ આપવાવાળોઃ

“કુર્આન એક એવી નવીન સાહિત્યિક કૃતિ છે જે લોકોની ઘણી મોટી સંખ્યાને અદ્‌ભુત રૂપે પ્રભાવિત કરવામાં કોઈનાથી પાછળ નથી રહી. એણે માનવ વિચારોને એક નવું રૂપ આપ્યું. અને એક નવીન અને નવલ પ્રકારના ચરિત્રનું નિર્માણ કર્યું છે.”

(G. Margoliouth, Introduction to J. M. Rodwell`s The Koran, Newyork : Everyman`s Library, 1977, P-VII)

શ્રેષ્ઠતમ નૈતિક નિયમ અને આદેશઃ

કુર્આન ઉચ્ચતમ નૈતિક વિચારો અને આદેશોથી પરિપૂર્ણ છે, આનું કોઈ એક પૃષ્ઠ પણ એવું નથી, જેના પર આપણને એવા સિદ્ધાંત ન મળે જેને બધા લોકોએ માનવું પડે છે.” (John William Draper, A History of the Intellectual Development of Europe, London, Vol-I, P-343-344)

સર્વોત્તમ સાહિત્યિક રચનાઃ

“મેં બીજી બધી બાબતો એક બાજુ મૂકી સાહિત્યિક દૃષ્ટિએ કુઆર્નનું અધ્યયન કરવાનું કષ્ટ ઉપાડ્યું છે….. આ વિશેષ લક્ષણ અને જેવું પોતાના પવિત્ર પુસ્તકના વર્ણનમાં નિષ્ઠાવાન પિકથોલે કહ્યું છે કે “એના અવાજો લોકોને રડાવે પણ છે અને તેમને આનંદથી ભાવ વિભોર પણ કરી દે છે.” મોટાભાગે પાછલા અનુવાદકોનું કાર્ય વૈભવપૂર્ણ અને સુસજ્જ મૂળ કૃતિની તુલનામાં ફીકું અને નિરસ લાગે છે.” (Arthur J. Arberry, The Koran Interpreted, London : Oxford University Press, 1964, P-X)

હંમેશ નવીન વિસ્મયકારીઃ

“અમે જેટલીવાર પણ એની (કુર્આનની) તરફ વધીએ છીએ, તે પહેલાં અમને અરુચિકર લાગે છે, પરંતુ જલ્દી જ અમને પોતાની તરફ આકર્ષિત કરી લે છે અને પછી અમને પોતાનો આદર અને સન્માન કરવા પર બાધ્ય કરી લે છે….. આની શૈલી, આના પોતાના વિષય અને ઉદ્દેશ્યની દૃષ્ટિથી દૃઢ, ભવ્ય અને અત્યંત ઉત્કૃષ્ટ છે…” આ પુસ્તક બધા યુગોમાં એક અત્યંત શક્તિશાળી પ્રભાવ પાડતું રહેશે.” (Goeothe, quoted in T.P. Hughes, Dictionary of Islam P-526)

વિજ્ઞાનનો સ્ત્રોતઃ

“આપણને એ વાતથી આશ્ચર્ય ન થવું જાેઈએ કે કુર્આન વિજ્ઞાનનો સ્ત્રોત છે. આકાશ અને ધરતી, માનવજીવન, વાણિજ્ય તથા અનેક વ્યવસાયોનું પ્રાસંગિક રૂપમાં વર્ણન થયું છે અને આ જ કારણે એવા અગણિત ગ્રંથોની રચના થઈ, જે પવિત્ર પુસ્તક (કુર્આન)ના વિભક્ત ભાગોની ટિપ્પણીઓનાં રૂપમાં છે.”

(Hearting Hirschfeld, Ph.D. M.A.R.A.S. New Reserches in to the Composition and Exegesis of the Quran, London, 1902, P-9)

કુઆર્ન કહે છેઃ

અમે તેમને અમારી નિશાનીઓ બાહ્ય જગતમાં પણ દેખાડીશું અને એમની પોતાની જાતમાં પણ, ત્યાં સુધી કે તેમના પર તે વાત સ્પષ્ટ થઈ જશે કે આ કુઆર્ન વાસ્તવમાં સત્ય છે.” ( ૪૧:૫૩)

અમે સૌ મનુષ્યો માટે આ સત્ય ગ્રંથ તમારા ઉપર અવતરિત કરી દીધો છે, હવે જે સીધો રસ્તો અપનાવશે તે પોતાના માટે અપનાવશે અને જે પથભ્રષ્ટ થશે તો તેની મુસીબત તેના ઉપર જ હશે, તમે તેના જવાબદાર નથી.” (૩૯:૪૧)

પુનર્જીવન અને પરલોક

પુનર્જીવન અને પરલોક

અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ

જગતના ત્રણ મોટા ધર્મો – ખ્રિસ્તી, યહૂદી અને ઇસ્લામ, જેના માનવાવાળાઓની સંખ્યા આ પૃથ્વી ઉપર ઘણી મોટી છે, પુનર્જીવનની માન્યતામાં વિશ્વાસ ધરાવે છે. પૃથ્વી ઉપર ઘણાં ઓછા લોકો છે, જેઓ પુનર્જન્મને એ અર્થમાં માનતા હોય કે મનુષ્ય પોતાના કર્મો અનુસાર મૃત્યુ પછી ફરીથી આ જગતમાં જન્મ લે છે.

આપણા ભારત દેશમાં આમ તો ઘણી વ્યક્તિઓ પહેલાં પણ આવાગમનીય પુનર્જન્મના સિદ્ધાંતને માનતી હતી. પરંતુ વેદકાળના ઘણા સમય પછી આ માન્યતા ફેલાવવામાં આવી, ત્યાં સુધી કે આ વૈદિક ધર્મ પછી ધીમે-ધીમે ઉત્પન્ન થનારા બહુદેવવાદી ધર્મની મુખ્ય આધાર બની ગઈ, નહીં તો વેદોમાં ક્યાંય આવાગમનના અર્થમાં ‘પુનર્જન્મ’નો ઉલ્લેખ નથી મળતો. તેમાં માત્ર ‘પુનર્જીવન’ના અર્થમાં જ પુનર્જન્મની ચર્ચા જોવા મળે છે. જેને ‘દિવ્ય જન્મ’ પણ કહેવામાં આવેલ છે.

સંસ્કૃત ભાષામાં ‘પુનઃ’નો અર્થ છે ફરીથી, નહીં કે વારંવાર. બીજીવાર પછી ત્રીજી અને ચોથીવાર જન્મનો અર્થ લઈને આવાગમનના ચક્રને માનવું ન કેવળ સંસ્કૃત ભાષાથી, બલ્કે વૈદિક ધર્મથી પણ મેળ નથી ખાતું. ભાષાની વાત તો સંસ્કૃત શબ્દકોશથી સમજવાની છે. રહી વાત વેદોની, તો આના ઘણાં મોટા-મોટા વિદ્વાનોએ પણ આ જ વાત સ્પષ્ટરૂપે કહી છે. બે-ચાર ઉદાહરણો અહીં પ્રસ્તુત છેઃ

શ્રી રાહુલ સાંકૃત્યાયન પોતાના પુસ્તક ‘દર્શન-દિગ્દર્શન’ના પૃ. ૪૦૩ ઉપર વિસ્તારથી ઉલ્લેખ કર્યા પછી લખે છેઃ

“આખું વિશ્વ જાણે છે કે ઉપનિષદ વેદોના સમય પછીના છે, અર્થાત્‌ વેદોમાં આવાગમનનો સિદ્ધાંત નથી.”

ડૉ. ફરીદા ચૌહાણ પોતાના પુસ્તક ‘પુનર્જન્મ ઔર વેદ’ના પૃ. ૧૩ પર લખે છેઃ

“વેદોમાં પુનર્જન્મ મળે છે જરૂર, પરંતુ એમાં આ જન્મ પછી માત્ર એક વધુ જન્મનું વિવરણ છે, હજારો જન્મોનું નહીં.”

શ્રી સત્યપ્રકાશ વિદ્યાલંકાર લખે છે કેઃ

“વેદોમાં આવાગમન નથી. આ વાત પર તો હું જુગાર પણ રમી શકું છું.” (આવાગમન, પૃ. ૧૦૪)

શ્રી દુર્ગાશંકર સત્યાર્થીએ પોતાના લેખ ‘વેદ ઔર પુનર્જીવન’માં આ જ વાત સિદ્ધ કરી છે કે વેદોમાં આવાગમન નથી. વેદોના અનુસાર બે જ જીવન છે, એક વર્તમાન જીવન અને બીજું મરણોપરાંત પરલોક અથવા પારલૌકિક જીવન. વેદ પુનર્જીવનના આવાગમનીય સિદ્ધાંતનુ ભારપૂર્વક ખંડન કરે છે. આ લેખમાં વેદોમાં વર્ણવવામાં આવેલ અંતિમ દિવસ અને પ્રલયનું શબ્દચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. સત્યાર્થીજીએ આના ખંડનના પ્રમાણ રૂપે કેટલાક શ્લોકો પણ રજૂ કર્યા છે અને બતાવ્યું છે કે વેદોના સમયમાં પણ કેટલાક લોકો પાંચ જન્મોને માનતા હતા, પરંતુ વેદોએ એનું ખંડન કર્યું છે. ઋગ્વેદના શ્લોક ૨/૧૪/૯૨-૨૦ ને એમણે વિશેષરૂપે પ્રસ્તુત કરેલ છે, જે આ સંબંધે સ્પષ્ટ છે.

આ લેખો, ખાસ કરીને સત્યાર્થીજીના લેખોમાં બતાવવામાં આવ્યું છે કે આવાગમન નહીં, બલ્કે ‘અંતિમ દિવસ’નો સિદ્ધાંત વેદોનો સિદ્ધાંત છે; અને વેદોમાં એનાથી જ ડરાવવામાં આવ્યા છે. આ એ જ વાત છે જેને અંતિમ ઈશ્વરીય ગ્રંથ પવિત્ર કુર્આને “કયામત” કહેલ છે.

ઋગ્વેદમાં આ અંતિમ દિવસની ચર્ચા વારંવાર જોવા મળે છે. વર્તમાન જીવન પછી માત્ર એક વધુ જીવનના પ્રમાણમાં સત્યાર્થીજીએ સાત શ્લોક રજૂ કર્યા છે. જીવન માત્ર બે છેઃ આલોક અને પરલોક. પરલોકમાં ફળસ્વરૂપે મળશેઃ સ્વર્ગ (જન્નત) અથવા નર્ક (જહન્નમ). ઋગ્વેદ (૨૨૪૩)ના શ્લોકને લો. આમાં અંતિમ દિવસની વાત છે. અર્થ આ પ્રમાણે છેઃ

“તેઓ અંતિમ દિવસને ભૂલીને વિદ્યા તથા બુદ્ધિનો તિરસ્કાર કરીને અમારી નિર્ધારિત કરેલી મર્યાદાઓને ઓળંગી રહ્યાં છે.”

પ્રાચીન ભારતીય ઇતિહાસમાં છાંદોગ્યએ સૌ પ્રથમ પુનર્જન્મના આવાગમનીય સિદ્ધાંતને પ્રચલિત કર્યો. આના પછી દરેક યુગમાં એનો જ પ્રચાર કરવામાં આવ્યો. પરંતુ વેદ એને સમર્થન નથી આપતાં. વેદો પ્રાચીન હોવાના કારણે એમાં ફેરફાર સંભવ બન્યો, જ્યારે કે કુર્આનના ‘કયામત’ (મહાપ્રલય) અને ‘આખિરત’ (પરલોક) ના સિદ્ધાંતમાં ફેરફાર કરવો અસંભવ છે.

આવાગમનના સિદ્ધાંતને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પણ જોવાની આવશ્યક્તા છે. પૃથ્વી પર મનુષ્ય દિન-પ્રતિદિન ભ્રષ્ટાચાર, હત્યા, બળાત્કાર તથા અન્ય ગુનાઓ અને અત્યાચારોમાં વધુને-વધુ પ્રવૃત્ત થતો જઈ રહ્યો છે. આવાગમનના સિદ્ધાંત અનુસાર આ પરિસ્થિતિમાં આ વધતા દુષ્કર્મો અને પાપોનાં દંડ રૂપે મોટા ભાગના મનુષ્યોનો જન્મ મનુષ્યોમાં નહીં, બલ્કે વૃક્ષ, પશુ અથવા બીજા નિમ્ન સ્તરના પ્રાણીઓમાં થવો જોઈએ. પરિણામ-સ્વરૂપ મનુષ્યોની સંખ્યા પહેલાંથી ઓછી થતી જવી જોઈએ. પરંતુ વાસ્તાવિકતા એ છે કે માનવોની સંખ્યા, એના દુષ્કર્મો પછી પણ, ઝડપથી વધતી જઈ રહી છે.આ રીતે આવાગમનનો સિદ્ધાંત વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પણ ખરો નથી ઉતરતો.

‘‘બુદ્ધિહીન લોકો પુસ્તક જોઈને પણ નથી જોતાં અને સાંભળીને પણ નથી સમજતાં. (ઋગ્વેદઃ ૧૦-૭૧-૪)

તું જ કર્મ કર, તું જ ફળ ભોગવ. (યજુર્વેદઃ૨૩/૧૫)

ન્યાયના દિવસ (પરલોક)ને એક ઉદાહરણ દ્વારા પણ સમજી શકાય છે. એક વ્યક્તિએ એક બીજી વ્યક્તિની હત્યા કરી નાખી. એના બે નાના બાળકો, એક બાળકી અને સ્ત્રીની દેખરેખ તથા ભરણપોષણ કરવાવાળું કોઈ ન રહ્યું. એનો એક મોટો ધંધો હતો જે નષ્ટ થઈ ગયો. વિધવા સ્ત્રી અને બાળકો ભૂખથી મરવા લાગ્યા. બાળકી મોટી થઈને પોતાની અને પરિવારની ભૂખ મટાડવા માટે આવારા છોકરાઓના હાથમાં સપડાઈ ગઈ. એનું જીવન બરબાદ થઈ ગયું. છોકરાઓ ભણી ન શક્યા, બલ્કે કોઈ દેખરેખ રાખનાર ન હોવાના કારણે ગુંડા-ડાકૂ બની ગયાં. તેમણે કેટલીય લૂંટફાટ અને હત્યાઓ કરી. સમાજમાં ઘણાં અનિષ્ટો ફેલાવ્યાં.

એ હત્યા કરનારા અત્યાચારીને આ જગતમાં વધુમાં વધુ જે સજા કરવામાં આવી શકે એમ હતી, તે એ છે કે એને ફાંસીએ લટકાવી દેવામાં આવે. એ વ્યક્તિએ પ્રાણ લીધા, તો એના પણ પ્રાણ લઈ લેવામાં આવ્યા. પરંતુ એ સ્ત્રીની જે દુર્દશા થઈ, એની સજા એને ન મળી, તે હત્યારો બે બાળકોને પણ ગુંડા-ડાકૂ બનાવીને લૂંટફાટ અને હત્યાઓ કરવાનું કારણ બન્યો. આની ઘણી ભયાનક સજા મળવી જોઈએ, જે એને ન મળી શકી, એને ફાંસી આપ્યા પછી આ બધા પાપોની ન્યાય અનુસાર પૂરેપૂરી સજા કરવી આ જગતમાં અશક્ય છે. જો મનુષ્યો અને આ સંસારને બનાવનાર તથા સઘળું તંત્ર ચલાવનાર ઈશ્વર ન્યાયી છે, તો અનિવાર્ય છે કે એને ન્યાયાનુસાર પૂરેપૂરી સજા આપે, જે આ લોકમાં સંભવ નથી. આ સજા બે રીતે આપી શકાય છે. એક એ કે આ જગતમાં એને કૂતરો અથવા વૃક્ષ બનાવીને મોકલી દેવામાં આવે. વૃક્ષ તો શાંતિપૂર્ણ જીવન વિતાવે છે. લોકો એની સેવામાં લાગેલા રહે છે. તેથી આ કોઈ યોગ્ય સજા ન થઈ. આ વૃક્ષ-જીવન પછી તો તે ઉચ્ચ શ્રેણીમાં જન્મ લેશે, કેમ કે વૃક્ષ-જીવનમાં એણે લોકોને છાંયડો અને ફળ આપીને બહુ પુણ્ય કમાવ્યા હોય છે, અર્થાત્‌ એણે કદી સજા ભોગવી જ નહોતી.

જો તેને કૂતરો બનાવીને જન્મ આપવામાં આવે, તો તે કામ-ધંધાની મુશ્કેલીઓ વેઠ્યા સિવાય બીજાની રોટલી ઉપર ઉછરીને અથવા જંગલમાં બીજા પ્રાણીઓને ખાઈને મસ્તીથી પડ્યો રહેશે. આ પણ કોઈ યોગ્ય સજા ન થઈ. વાસ્તવમાં આ જગતમાં આવી જોગવાઈ જ નથી કે અહીં કોઈ સ્થિતિમાં રાખીને એને ન્યાયાનુસાર સજા આપી શકાય.

બીજા પ્રકારની સજા એ હોઈ શકે કે આ જગતથી પણ વધુ ક્ષમતાવાળું એક બીજું જગત હોય, જેમાં મૃત્યુ પછી ફરી જીવન પ્રદાન કરવામાં આવે; એવું જીવન જેમાં પૂર્ણ સજા આપવાની ક્ષમતા હોય કે તે હત્યારાને હત્યા કરવાની સજા, વધુમાં એક સ્ત્રીને વિધવા કરીને એનું સુખ છીનવી લેવાની સજા તથા બાળકોના ભૂખથી ટળવળવાની અને શિક્ષા-દીક્ષાથી વંચિત રહેવાની સજા, અને એમના જીવનમાં બગાડ પ્રવેશ્યા પછી સમસ્ત કુકર્મોનું અસલ કારણ બનવાની સજા, આ તમામ સજાઓ એક સાથે અને તદ્દન ન્યાયાનુસાર સંપૂર્ણપણે આપી શકાય.

ન્યાયની આ બીજી પદ્ધતિ બુદ્ધિગમ્ય લાગે છે અને ન્યાયની માંગ એ છે કે અપરાધીને બતાવવામાં આવે કે એના કયા અપરાધની સજા એને આપવામાં આવી રહી છે, સાથે એના અપરાધનું પરિણામ પણ તેના સામે હોય અને એને પોતાના બચાવની દલીલોની અને પોતાની સ્પષ્ટતાની તક પણ આપવામાં આવે. આ પદ્ધતિ જ તદ્દન ન્યાયી છે, જેનાથી ન્યાયનું સાચું સ્વરૂપ સામે આવે છે.

એ જ રીતે નીચેના ઉદાહરણથી પણ સત્કર્મોનું ફળ આપવાનું અનુમાન પણ લગાવી શકાય છે.

વેદોની જેમ ઈશ્વરીય ગ્રંથ પવિત્ર કુર્આન પણ મૃત્યુ પછીના જીવનની ખાતરી આપે છે. બંનેમાં તફાવત એ છે કે વેદોમાં તે એટલું સ્પષ્ટ અને વિસ્તૃત નથી, જેટલું કુર્આનમાં છે. કુર્આન અનુસાર ન્યાય અને વળતરનો દિવસ એ છે જેમાં ન્યાય અને ન્યાયવિધિ અનુસાર આલોકના જીવનનો અહેવાલ, સાક્ષીઓ સામે લાવીને, ભૂલ બતાવીને, સ્વબચાવની તક આપીને તથા ર્નિણય સંભળાવીને નર્કમાં પૂરેપૂરી સજા આપવામાં આવશે. નર્કમાં અત્યંત કઠોર અને લાંબા ગાળાની સજાની જોગવાઈ પણ હશે. એ જ રીતે સત્કર્મોનું સારું અને સંપૂર્ણ ફળ લાંબા ગાળા સુધી સ્વર્ગમાં આપવામાં આવતું રહેશે.

‘કયામત’નો અર્થ છે, આ જગતને તોડીફોડીને નવા સંસારનું નિર્માણ કરવું અને તમામ મનુષ્યો ફરીથી એકત્રિત કરીને જીવન પ્રદાન કરવું. ‘આખિરત’નો અર્થ છે, મૃત્યુ પછીની બીજી દુનિયા, જે મૃત્યુથી લઈને હિસાબ લેવા અને ફળ આપવા સુધીનો સમય છે. નિઃશંકપણે ફેસલાનો દિવસ નક્કી છે, અને સૃષ્ટિનો માલિક એ દિવસનો પણ માલિક છે.”

“મહાન ઘટના ! શું છે એ મહાન ઘટના ? તમે શું જાણો કે એ મહાન ઘટના શું છે ? એ દિવસ જ્યારે લોકો વિખરાયેલા પતંગિયાઓ જેવા અને પર્વતો પીંજાયેલા રંગબેરંગી ઊન જેવા હશે. પછી જેનાં (સદ્‌કાર્યો અને ભલાઈ)ના પલ્લાં ભારે હશે, તેઓ મનપસંદ એશઆરામમાં હશે; અને જેનાં પલ્લાં હલકાં હશે, એનું સ્થાન ઊંડી ખાઈ હશે, અને તમને શું ખબર કે તે વસ્તુ શું છે ? ભડકે બળતી આગ.” (કુર્આન, સૂરઃ કારિઅહ)

“જ્યારે આકાશ ફાટી જશે, અને જ્યારે તારા વિખેરાઈ જશે, અને જ્યારે સમુદ્રોને ફાડી નાખવામાં આવશે, અને જ્યારે કબરો ખોલી દેવામાં આવશે, ત્યારે દરેક વ્યક્તિને તેનું આગળ-પાછળનુ બધું કર્યુંકરાવ્યું જણાઈ જશે.’’ (કુર્આન, સૂરઃ ઇન્ફિતાર, ૧-૫)

“ડરાવો એમને એ દિવસથી, જ્યારે ધરતી અને આકાશોને બદલીને કંઈના કંઈ બનાવી નાખવામાં આવશે અને બધા જ એક અને સર્વશક્તિશાળી અલ્લાહ સમક્ષ ખુલ્લા હાજર થઈ જશે. તે દિવસે તમે ગુનેગારોને જોશો કે સાંકળોમાં હાથ-પગ જકડાયેલા હશે, ડામરના વસ્ત્રો પહેરેલા હશે અને આગની જ્વાળાઓ તેમના ચહેરા ઉપર છવાઈ રહી હશે.” (કુર્આન, સૂરઃ ઇબ્રાહીમ, ૪૮-૪૯)

“તે દિવસે જ્યારે કે આકાશને અમે એ રીતે લપેટીને મૂકી દઈશું જે રીતે તુમારના પાનાં લપેટી દેવામાં આવે છે. જે રીતે અમે પહેલાં સર્જનનો આરંભ કર્યો હતો, એ જ રીતે અમે ફરી તેનું પુનરાવર્તન કરીશું. આ એક વાયદો છે અમારા શિરે અને આ કામ અમારે ચોક્કસપણે કરવાનું જ છે.”  (કુર્આન, સૂરઃ અંબિયા, ૧૦૪)

“જે લોકોએ અમારી આયતોને માનવાનો ઇન્કાર કર્યો છે, તેમને ચોક્કસપણે અમે આગમાં ઝોંકીશું અને જ્યારે જ્યારે તેમના શરીરની ચામડી ગળી જશે તો તેની જગ્યાએ બીજી ચામડી પેદા કરી દઈશું, જેથી તેઓ બરાબરનો સજાનો સ્વાદ ચાખે. અલ્લાહ ખૂબ સામર્થ્ય ધરાવે અને પોતાના નિર્ણયોને અમલમાં મૂકવાની હિકમત (વિવેકશીલતા અને બુદ્ધિમત્તા) ધરાવે છે.” (કુર્આન, સૂરઃ નિસા, ૫૬)

પલટો પોતાના પ્રભુ તરફ

પલટો પોતાના પ્રભુ તરફ

અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ

કોરોના એક ભયાનક ત્રાસદી

આપણા દેશ ભારત વર્ષમાં કોરોનાએ એક ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. બહોળી સંખ્યામાં લોકો આ મહામારીમાં સપડાયા છે. અને એક નોંધપાત્ર સંખ્યામાં આપણાં સ્નેહી-જનો આપણાંથી દૂર ચાલ્યા ગયા છે. હજુ આ મહામારી ચાલુ જ રહી હતી કે ફૂગના વિવિધ રૂપોમાં એક બીજી મહામારીનું પણ આક્રમણ થઈ ગયું છે. આગળ બીજી મહામારીઓ પણ આવે એ શક્યતા નકારી શકાય નહીં. કોરોનાના ઇલાજમાં તો થોડી ઘણી સફળતા મેળવી શકાઈ છે, પણ સંભવ છે કે આગળ બીજી મહામારીઓ આપણને પૂર્ણ રીતે વિવશ કરી મૂકે. આપણે કોઈ રીતે પણ તેનો મુકાબલો ન કરી શકીએ.

આ અલ્લાહ-ઈશ્વરની નહીં પણ આપણી પરીક્ષા છે

કોરોના મહામારી જેટલી તેજ ગતિથી પ્રસરી છે તે જ તીવ્રતાથી કેટલાક પ્રશ્નો પણ ઉદ્‌ભવ્યા છે.

– ઈશ્વર માનવીઓને તકલીફ કેમ આપી રહ્યો છે?

શું ઈશ્વર આપણાથી પ્રેમ નથી કરતો?

શું ઈશ્વરનું અસ્તિત્વ છે ખરું?

ઈશ્વરના અસ્તિત્વ, તેની દયા અને અનુકંપાની નિશાનીઓ તો ઠેર ઠેર દેખાઈ આવે છે. તેને ઓળખવા, તેને સમજવા માટે તેવી દૃષ્ટિ અને તેવું હૃદય જોઈએ. આપણું હોવું તેના હોવાની સાબિતી છે. આપણો એક એક શ્વાસ તેની દયા અને અનુકંપાની અનુભૂતિ કરાવે છે. આ સૃષ્ટિનું કણ કણ તેની સત્તા, તેની દયા અને કૃપાની સાક્ષી પૂરે છે.

કોરોના અને આના જેવી બીજી મહામારી તો આપણા જેવા કઠણ કાળજાના માનવીઓ માટે એક ચેતવણી સ્વરૂપ હોય છે. આનો હેતુ આપણને નિંદ્રામાંથી જગાડી, આપણી ગફલતને ખંખેરી આપણને ઈશ્વરની સત્તાનું સ્મરણ કરાવવાનું  હોય છે. શું આ વાસ્તવિક્તા નથી કે આપણો સમાજ ઈશ્વરથી વિમુખ થઈ ભૌતિક સુખ સંસાધનોની આંધળી દોટમાં ગળાડૂબ છે?

શું છે આ જીવન? શું છે મૃત્યુ ? શું થવાનું છે મૃત્યુ પછી?

જીવન તો એક પરીક્ષા છે. આ જીવન પોતે ઈશ્વરની સત્તા અને તેના અસ્તિત્વનું પ્રમાણ છે. તેની શીતળ છાયામાં જ આપણું જીવન પસાર થઈ રહ્યું છે અને આપણે બધા ધીમે ધીમે અંતિમ  પડાવ મૃત્યુ  તરફ ચાલ્યા જઈ રહ્યા છીએ.

“અત્યંત મહાન અને ઉચ્ચ છે તે જેના હાથમાં સૃષ્ટિની કમાન છે. અને તે દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે. જેણે મૃત્યુ અને જીવનનું નિર્માણ કર્યું જેથી તમે સૌને અજમાવે કે તમારામાથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી અને ક્ષમા કરનાર છે.” (કુર્આન ૬૭:૧,૨)

મૃત્યુ જીવનનો અંત નથી પણ આ જીવન-પરિક્ષાનો અંત છે

મૃત્યુને જીવનનો અંત સમજી લેવો એક અક્ષમ્ય અપરાધ છે. આ જીવન-પરીક્ષાનું પરિણામ પણ આવવાનું છે. અને આ મૃત્યુ પછીના જીવનમાં જ શક્ય છે.

સંસારની વાસ્તવિકતાને ભૂલી જઈ તેની બાહ્ય ચમક દમક તણી અંજાઈ જનારને ઝંઝોડી જગાડવા અને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા ઈશ્વરે કેટલીક વ્યવસ્થા ઊભી કરેલ છે. કોરોના અને આના જેવી બીજી આપદાઓ જેમકે ધરતીકંપ, પૂર, વાવાઝોડું આ વ્યવસ્થાના જ ચિન્હો છે. સમજદારી એમાં જ છે કે આ આપદાઓને એ સ્વરૂપે જ સમજવામાં આવે અને જીવન રૂપી ગાડીને, જે ખોટા રસ્તે જઈ રહી છે, ફરી સાચા રસ્તા પર લઈ જવામાં આવે. આ છે આ બધી આપદાઓનો સંદેશ.

મૃત્યુ અનિવાર્ય છે, અને પોતાના નિર્ધારિત સમયે બધાને આવનાર છે. પણ જ્યારે આ મૃત્યુ અકુદરતી અને વિકરાળ સ્વરૂપમાં આવે તો  તે કુદરતી ન કહી શકાય. તેમાં નિહિત સંદેશને સમજવો જરૂરી છે. આ તરફથી આંખ આડા કાન કરી જીવનની આ વાસ્તવિકતાથી દૃષ્ટિ ફેરવી ખોટા માર્ગ ઉપર ચાલતા રહેવાની વૃત્તિ નરી મૂર્ખામી છે. આ તો ઈશ્વરને પડકારવા સમાન છે.

યાદ રાખો! આ સંસાર આપણો નહીં ઈશ્વરનું છે

આ સંસારમાં આપણે આપણી ઇચ્છાથી નથી આવ્યા. આપણને અહીં પેદા કરવામાં આવ્યા છે. અહીં મોજૂદ બધા સંસાધનો આપણે બનાવેલ નથી, આનું નિર્માણ ઈશ્વરે કરેલ છે. મૃત્યુ ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. મૃત્યુ ઉપર અંકુશ લગાડવા આપણે અસમર્થ છીએ. ઈશ્વર જ્યારે ઇચ્છે છે આપણાં પ્રાણ હણે છે, આપણે લાચાર અને વિવશ છીએ. આ બધુ પુરવાર કરે છે કે ઈશ્વરની સત્તાની સામે આપણે કેટલા તુચ્છ છીએ.

અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોજી આપી, પછી તે તમને મૃત્યુ આપે છે, પછી તે તમને ફરી જીવન આપશે. શું તમારા ઠેરવેલા ભાગીદારોમાં કોઈ એવો છે જે આમાંથી કોઈ પણ કામ કરતો હોય? પાક છે તે અને ઉચ્ચ અને શ્રેષ્ઠ છે તે ર્શિકથી જે આ લોકો કરે છે. “ (કુર્આન ૩૦:૪૦)

જન્મ, મૃત્યુ અને રોજી બધું તેના જ કબ્જા હેઠળ છે, આપણે તેના જ આશ્રિત છીએ. તો પછી આપણે એ સત્ય, ‘મૃત્યુ પશ્ચાત્‌ જીવન’ને પણ કેમ સ્વીકારતા નથી?

તમે અલ્લાહ સાથે ઇન્કારનું વલણ કેમ અપનાવો છો, જ્યારે કે તમે ર્નિજીવ હતા , તેણે તમને જીવન પ્રદાન કર્યું , પછી તે જ તમારા પ્રાણ લેશે, પછી તે જ ફરીવાર જીવન પ્રદાન કરશે, પછી તેના જ તરફ તમારે પાછા ફરવાનું છે.”(કુર્આન ૨:૨૮)

આપણે ક્યાં સુધી મૃત્યુ પછીના જીવનનો ઇન્કાર કરીશું ?

સ્વાસ્થ્ય, રોગ અને ઉપચાર અલ્લાહની નિશાનીઓ છે

આપણું આરોગ્ય ઈશ્વરની એક ઘણી મોટી કૃપા છે. અને રોગ તેની કૃપાથી વંચિત થવાનું નામ છે. રોગ આપણને યાદ દેવડાવે છે કે ઈશ્વરની કૃપાથી વંચિત રહેવું સમજદારી નથી. તેની કૃપા પ્રત્યે આભાર વ્યક્ત કરવો જરૂરી છે.

ઈશ્વરે દરેક રોગ સાથે તેની દવા પણ બનાવી છે. પણ તેની શોધ માટે આપણે  આપણી વિવેક-બુદ્ધિનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. ઉપચાર મળવો પણ તેની ઇચ્છા અને કૃપાને આભારી છે. માનવી માટે ખોટા અહંકારને કોઈ સ્થાન નથી. આ બધું તેની જ કૃપા છે. આરોગ્ય અને ઉપચાર માટે તેનો આભાર વ્યક્ત કરવો અને તેની સ્તુતિ કરવી જ ઘટે.

ઈશ્વરની કૃપા જેવી રીતે આપણાં શરીર અને આરોગ્યમાં જોવા મળે છે, એવી જ રીતે ધરતી અને આકાશમાં પણ તેની કૃપાની અસંખ્ય નિશાનીઓ ફેલાયેલ છે.

ધરતીમાં ઘણી નિશાનીઓ છે, વિશ્વાસ કરનારાઓ માટે અને સ્વયં તમારા અસ્તિત્વમાં. શું તમને સુઝતું નથી? આકાશમાં જ છે તમારી આજીવિકા પણ અને તે વસ્તુ પણ જેનો વાયદો તમને આપવામાં આવી રહ્યો છે.” (કુર્આન ૫૧:૨૦-૨૨)

પરમ દયાળુ અને કૃપાળુ ઈશ્વરના  હોવાની નિશાનીઓ અપરંપાર છે પણ આપણે જ તે તરફથી આંખો મીંચી લીધેલ છે.

દુઃખમાં સ્મરણ અને સુખમાં વિસ્મરણ

માનવીની સૌથી મોટી વિડંબના અને કમનસીબી આ છે કે તે દુઃખ અને આપત્તિમાં ઈશ્વરને યાદ કરે છે  અને સુખના દિવસોમાં તેને ભૂલી જાય છે. ગઈ કાલે પણ આ જ મનસ્થિતિ હતી અને આજે પણ આ જ છે.

“મનુષ્યની હાલત એ છે કે જ્યારે તેના પર કોઈ કઠિન સમય આવે છે તો ઊભા અને બેઠાં અને સૂતાં અમને (અલ્લાહને) પોકારે છે, જ્યારે અમે તેની મુસીબત ટાળી દઈએ છીએ તો તે એવી રીતે ચાલી નીકળે છે.